
ભારત વિકાસ પરિષદ, સોમનાથ શાખા
Bharat Vikas Parishad, Somnath Branch
સંપર્ક ~ સહયોગ ~ સંસ્કાર ~ સેવા ~ સમર્પણ
Sampark ~ Sahyog ~ Sanskar ~ Seva ~ Samarpan
કેટકેટલા બલિદાન અને સંઘર્ષ પછી આઝાદી મળી, સ્વતંત્ર ભારતના લોકો દ્વારા, લોકોની સરકાર ચુંટાવા લાગી. લોકોને આશા હતી કે આપણો દેશ રામરાજ્ય બનશે, અમીર-ગરીબ વચ્ચેની ખાઈ પુરાઇ જશે. ભુખમરો, બેરોજગારી, નિરક્ષરતાનું નામનિશાન નહિ રહે, ઉચ્ચ-નીચના ભેદ નહિ રહે પરંતુ નિરાશા સાંપડી.
સ્વતંત્ર ભારતની આટલી ચુંટણીઓ ગયા પછી ઘોર નિરાશા ડોકિયા કરતી રહી. આઝાદી પૂર્વેની રાષ્ટ્રીય ભાવનાનું ધોવાણ થતું રહ્યું. ફક્ત સરકારના જ ભરોસે ગરીબ પછાત વર્ગની ઉન્નતી અશક્ય હતી ત્યારે સમાજના ઉત્કર્ષ અને રાષ્ટ્રીય ભાવના જગાવવા માટે સમાજના શ્રેષ્ઠ, પ્રબુદ્ધ, સમૃદ્ધ, જીજ્ઞાસુ, પ્રભાવી અને સક્ષમ એવા વિશિષ્ટ લોકોએ ભેગા મળી સંપર્કના સ્ત્રોતથી ભારતીય જનશક્તિની ગંગાને સમર્પણ સુધી લઈ જવા માટે ભગીરથના રૂપમાં શરૂ કરેલો અશ્વમેઘ એટલે ભારત વિકાસ પરિષદ.
સંપર્કથી સહયોગ, સહયોગથી સંસ્કાર, સંસ્કારથી સેવા અને સેવાથી સમર્પણની તીર્થયાત્રા તથા રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાવાનો ઉપક્રમ એટલે ભારત વિકાસ પરિષદ.
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય, અભાવગ્રસ્ત, અશિક્ષિત, દિવ્યાંગ અવિકસીત વનવાસીની સહાયતા માટે વિવિધ પ્રકલ્પો દ્વારા કાર્યરત તથા ૧૯૬૩થી બીજ રૂપે શરૂ થયેલી આ પારિવારિક સંસ્થા આજે વિશાળ વટવૃક્ષ બની ગઇ છે. ગુજરાતભરમાં ૮૦ થી વધુ અને ભારતભરમાં ૧૪૦૦ કરતા વધુ શાખાઓના ૬૬૫૦૦ કરતા વધુ સદસ્યોના ૧,૫૦,૦૦૦ કરતા વધુ પરિવાર સભ્યો ઇશ્વરીય કાર્ય સમજી સેવા અને સંસ્કારલક્ષી પ્રકલ્પો દ્વારા કાર્યરત છે. આજે દેશનો એક પણ ભાગ એવો નથી કે જ્યાં ભારત વિકાસ પરિષદની શાખા ન હોય.
સંસ્થાના પ્રકલ્પો :
1. ગુરુવંદન છાત્ર અભિનંદન, ભારત કો જાનો, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા
2. શરદોત્સવ, જન્માષ્ટમી, હોળી વગેરે જેવા ઉત્સવોની ઉજવણી
3. નિ:શુલ્ક દિવ્યાંગ સહાય અને પુનર્વસન
4. મેડિકલ કેમ્પ, નેત્ર ચિકિત્સા, બ્લડ ડોનેશન કેમ્પ
5. આદિવાસી કલ્યાણ યોજના
6. ગ્રામ દત્તક અને ગ્રામ વિકાસ
7. કુદરતી આફત સમયે સહાય
8. વૃક્ષારોપણ
9. યોગ શિબિર
10. પરિવારના સભ્યો માટે પ્રવાસ, પિકનિક, સ્નેહમિલન, વિદ્યાર્થીઓનું સન્માન જેવા પ્રકલ્પો
ઉપરાંત અત્યાધુનિક દવાખાના, ફિઝિયોથેરાપી સેન્ટર, લાયબ્રેરી, દિવ્યાંગ કેન્દ્ર, તબીબી સાધન સહાય જેવા કાયમી પ્રકલ્પો ચલાવવામાં આવે છે.
અમારું લક્ષ્ય છે ભારતના સર્વાંગી વિકાસ અને સમૃધ્ધિ. સાતત્યપુર્ણ અને અથાક માનવીય પ્રયાસો વડે સાંસ્કૃતિક, સામાજીક, શૈક્ષણિક, નૈતિક, રાષ્ટ્રીય તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે સમાન વિકાસ દ્વારા સ્વસ્થ, સમર્થ અને સંસ્કારિત ભારતનું નિર્માણ.